મેં લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે મદદ માંગી – નીરવ ઠકકર
સમગ્ર મામલે અટલાદર શેલ્ટર હોમનું સંચાલન કરતા અને શ્રવણ સેવાના ફાઉન્ડર નીરવ ઠકકર જણાવે છે કે, વડોદરાના પૂર્વ મેયર અને સાયજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા દ્વારા તેમના મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન છેલ્લા દિવસે નિઃસહાય વૃદ્ધો માટે અટલાદર શેલ્ટર હોમના દરવાજા ખોલાવ્યાં હતા. શેલ્ટરમાં આશરો લઈ રહેલા ધીરુભાઈની ઉંમર આશરે 55 વર્ષ છે. તેઓ અવાર નવાર તેમના પરિવારને યાદ કરતા હતા. પછી મેં ધીરે ધીરે તેમની સાથે સંવાદ સાધીને પરિવાર વિષે વધુ જાણવાનો પ્રયાસ કર્યો. તેમની સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, તેઓનો પરિવાર વલસાડના ડુંગરી વિસ્તારમાં રહે છે. વાત જાણતા જ મેં લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે મદદ માંગી હતી.
જ્યારથી મારા પિતા ગુમ થયા છે, ત્યારથી અમે અલગ અલગ જગ્યાઓએ જઈને માનતા રાખી રહ્યા છે
નીરવ ઠક્કરે જણાવ્યું કે, સ્થાનિક પોલીસે ધીરુભાઈની ઓળખ કરી લીધી હતી. અને તપાસમાં સામે આવ્યું કે ચોપડે ધીરુભાઈ પટેલ ત્રણ વર્ષથી લાપતા હતા. આજે ધીરુભાઈ પટેલને તેમનો પરિવાર પોલીસ સાથે રાખીને લેવા આવ્યો હતો. ધીરુભાઈની જોતા જ તેમના પુત્રોની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમના પુત્રએ જણાવ્યું કે, જ્યારથી મારા પિતા ગુમ થયા છે, ત્યારથી અમે અલગ અલગ જગ્યાઓએ જઈને માનતા રાખી રહ્યા છે. છેલ્લે ધીરે ધીરે અમે પણ આશા ગુમાવી રહ્યા હતા. પણ અચાનક પોલીસે સંપર્ક કરતા અમે 24 જ કલાકમાં અમારા પિતાને લઈ જવા આવ્યા છીએ. પુત્રએ તેમન પણ જણાવ્યું કે, ઘરમાં બોલાચાલી બાદ મારા પિતા નીકળી ગયા હતા. આજે ત્રણ વર્ષ બાદ તેઓ મળી આવતા અમારા જીવમાં જીવ આવ્યો છે.
પરિવારને જોઈને ધીરુભાઈ પણ લાગણીસભર થઈ રડી પડ્યા હતા
નીરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું કે, પરિવારને જોઈને ધીરુભાઈ પણ લાગણીસભર થઈ રડી પડ્યા હતા. જતા જતા તેમને શ્રવણ સેવાની ટીમને આશીર્વાદ આપ્યા હતા. અને આ સેવા વર્ષોવર્ષ ચાલે, અનેક લોકોને તેમનો પરિવાર મળે તે માટે કાર્યરત રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ખુશીના હકદાર શ્રવણ સેવા સંસ્થાની સાથે ધારાસભ્ય કેયુર રોકડીયા, પાલિકાના UCD ડિપાર્ટમેન્ટના ક્રિષ્નાબેન સોલંકી અને તેમની ટીમ તથા અમારી સાથે જોડાયેલા અન્ય સેવાભાવી લોકો પણ છે.
દોઢ મહિને નાનાભાઈ પરમારને પણ મળ્યો પરિવાર
નીરવ ઠક્કરના જણાવ્યા અનુસાર, શ્રવણ સેવાના શેલ્ટરમાં આશરો લઈ રહેલા નાનાભાઈ પરમાર દોઢ મહિનાથી ઘરેથી નીકળી ગયા હતા. પરત જવાનો કોઈ રસ્તો ન મળતા તેઓ નિઃસહાય જીવન વ્યતીત કરતા હતા. તેમને વાતચીતમાં તેમનો પરિવાર કોટમબીમાં રહેતા હોવાનુ જણાવ્યું હતું. સ્થાનિક પોલીસે ગ્રામપંચાયતનો સંપર્ક કરીને પરિવારની ભાળ મેળવી હતી. અને આજે તેઓને લેવા પહોંચ્યા હતા. આજે એક જ દિવસમાં બે લોકોને પરિવારનો ભેંટો થયો હતો. M)8000402870 Shravan Seva