કોરોનાને નિયંત્રણમાં લેવામાં સફળ રહેલા તંત્રએ હવે રોગચાળો અટકાવવા માટે કમર કસી
પાલિકા દ્વારા બંધિયાર પાણી હોય ત્યાં વિશેષ માછલીઓ છોડવામાં આવે
આ માછલીઓ પાણીમાં રહેલા મચ્છરોના ઇંડા અને પોરાનો નાશ કરે છે
વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની ઘાતક બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ મચ્છર જન્ય અને પાણી જન્ય રોગો વકર્યા હતા. જેને લઇને હવે તંત્ર દ્વારા તેને રોકવા માટે કમર કસવામાં આવી રહી છે. વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો પર કાબુ મેળવવા માટે પાલિકા તંત્રનુ જેવિક હથિયાર છે માછલી. માછલી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરનો કાળ બનીને ત્રાટકે છે. અને તેમને સફાયો કરે છે.
કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ વડોદરા સહિત અન્ય શહેરોમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો ફાટી નિકળ્યો હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ રહી છે. તો બીજી તરફ કોરોનાને નિયંત્રણમાં લેવામાં સફળ રહેલા તંત્રએ હવે રોગચાળો અટકાવવા માટે કમર કસી છે. હવે મચ્છર જન્ય રોગો પર કાબુ મેળવવા માટે પાલિકા તંત્ર જૈવિક હથિયાર હથિયાર બની છે એક માછલી.
સમગ્ર ઘટના અંગે સાથે વાત કરતા વડોદરા મહાનગર પાલિકાની હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું કે, પાલિકા દ્વારા બંધિયાર પાણી હોય ત્યાં ગપ્પી નામથી ઓળખાતી માછલીઓ છોડવામાં આવે છે. આ માછલીઓની ખાસીયત છે કે, પાણીમાં રહેલા મચ્છરોના ઇંડા અને પોરાનો નાશ કરે છે. જે તેનો ખોરાક પણ છે. પાલિકા દ્વારા મચ્છર જન્ય રોગચાળો ફાટી નિકળે ત્યાં ગપ્પી માછલીઓ છોડવાનું છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવે છે. આમ, કરવાથી મહદઅંશે સફળતા પણ મળી છે.
ડો. રાજેશ શાહે ઉમેર્યું કે, ગપ્પી માછલીનું આયુષ્ય એક વર્ષનું હોય છે. તળાવ, કુવા જેવી મોટી સાઇટ પર તેને મુકવામાં આવે છે. ખાબોચિયા અથવાતો થોડાક સમય માટે પાણી ભરાય તેવી જગ્યાઓ પર આને મુકી શકાતું નથી. કારણકે નાની જગ્યાઓ પર પાણી સુકાઇ જાય તો તેવી સ્થિતીમાં માછલીઓના મોત થાય છે. અત્યાર સુધી મોટી મોટી 75 સાઇટો પર માછલીઓ મુકવામાં આવી છે. જે સાઇટ પર માછલી મુકી શકાય ત્યાં તેને મુકવામાં આવે છે. જ્યાં ન મુકાય ત્યાં દવા છાંટવા સહિતની વૈકલ્પિક કાર્યવાહી કરવામાં આવે છે.
વધુમાં ડો. રાજેશ શાહે જણાવ્યું કે, રોગચાળો કાબુમાં લેવા માટે પાલિકાનું તંત્ર સતત કાર્યરત છે. નવી કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરને બ્રિડીંગ ગ્રાઉન્ટ મોટા પ્રમાણમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું છે. પાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર જઇને ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે.