More

SoU રેડિયો યુનિટી 90 FMની નવતર પહેલ:સંસ્કૃત દિવસ પર આખો દિવસ રેડિયો સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવશે

By Team IAV August 5, 2022 No Comments 1 Min Read

સ્થાનિક – આદિવાસી યુવક/યુવતી બન્યા સંસ્કૃત રેડિયો જૉકી

67 દિવસ સુધી સંસ્કૃત ભાષાની ઘનિષ્ઠ તાલીમ અપાઇ

ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક પર લઇ જનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રેડિયો યુનિટી 90 FM લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ આર.જે બનીને પ્રવાસીઓનું મનોરંજન અને જ્ઞાનવૃદ્ધિ કરાવે છે. તેમના ઉત્સાહમાં ઉમેરો કરવા અને સંસ્કૃત ભાષાનું મહત્વ વધારવા માટે 12 ઓગસ્ટના ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ પર આખો દિવસ રેડિયો યુનિટી પર સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવશે અને સાથે તેનું અનુવાદ પણ કરવામાં આવશે જેથી શ્રોતાઓ સરળતાથી સમજી શકે. આ દિવસે રેડિયો યુનિટી પર નર્મદાષ્ટકની સંસ્કૃતમાં સમજ આપવામાં આવશે સાથે જ સંસ્કૃત-એક વૈજ્ઞાનિક ભાષા, સરદાર સાહેબના જીવન ચરિત્ર અને તેમણે દેશને એક કરવામાં આપેલ યોગદાન પર ચર્ચા કરવામાં આવશે. એકતા નગરના તમામ આકર્ષણો અંગે પણ સંસ્કૃતમાં રજૂઆત કરવામાં આવશે.

*સ્થાનિક અને આદિવાસી યુવક/યુવતી બન્યા રેડિયો જૉકી*

રેડિયો યુનિટીમાં રેડિયો જોકી તરીકે અહીંના સ્થાનિક એવા ગુરુચરણ તડવી, હેતલ પટેલ, ડૉ. નીલમ તડવી અને ગંગા તડવી કામ કરી રહ્યાં છે. સૌ પ્રથમ તમામને સંસ્કૃત ભાષાની તાલીમ આપીને આર.જે તરીકે પસંદગી કરવામાં આવી હતી. આગાઉ ‘મન કી બાત’માં પીએમ મોદીએ પણ આદિવાસી યુવક યુવતીઓના કામની સરાહના કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પનાથી કોમ્યુનિટી રેડિયો ‘રેડિયો યુનિટી’ સાકાર થયું છે. વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે પણ દિવસભર સંસ્કૃતમાં વાત કરવામાં આવશે.” રેડિયો યુનિટીમાં RJ અને આરોગ્ય વનમાં ગાઈડ તરીકે કાર્ય કરતા હેતલ પટેલે જણાવ્યું કે, “ભારત દેશ વિવિધતામાં એકતાનો સંદેશો આપે છે, જેમાં ભાષાની વિવિધતામાં પણ એકતા મુખ્ય છે. સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની છે ત્યારે રેડિયો યુનિટી 90 FM પર અમને સંસ્કૃતમાં પણ અમને વાત રજૂ કરવાનો મોકો મળે છે, જે અમારા માટે ગૌરવની બાબત છે.  ”

અમે અમારી વાત સંસ્કૃતમાં કાંઈક આવી રીતે રજૂ કરીએ છીએ…
“भवनतः श्रुणवन्ति रेडियो यूनिटी नवति एफएम मम इत्युक्ते हेतल सह एक भारतम श्रेष्ठ भारतम””

*15 દિવસ વારાણસીમાં સંસ્કૃત ભાષાની ઘનિષ્ઠ તાલીમ લીધી*

એકતા નગરમાં અત્યારે કુલ 108 ગાઈડ કામ કરી રહ્યાં છે જેમાંથી 15 ગાઈડને સંસ્કૃત ભાષાની 52 દિવસની તાલીમ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતીના સહયોગથી એકતા નગર ખાતે આપવામાં આવી હતી. ત્યારબાદ આ 15 ગાઈડને ઘનિષ્ઠ તાલિમ માટે વારાણસી મોકલવામાં આવ્યા હતાં. આ અંગે વાત કરતા આર.જે અને આરોગ્ય વનના ગાઈડ તરીકે કાર્ય કરતા ગુરૂચરણ તડવી જણાવે છે કે, “વિવિધ 6 ભાષામાં માહિતી આપતા ગાઈડ અત્રે સેવાઓ આપી રહ્યાં છે. અમને 52 દિવસ એકતાનગર ખાતે અને 15 દિવસ કાશી ખાતે સંસ્કૃતની વ્યાપક તાલીમ આપવામાં આવી અને હવે અમારી પસંદગી રેડિયો યુનિટી પર રેડિયો જોકી તરીકે કરવામાં આવી છે. હવે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીની સાથે અમે સંસ્કૃતમાં પણ માહિતી આપીએ છીએ.”   રેડિયો પર 6 અન્ય ભાષાઓ – ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મરાઠી અને કન્નડમાં પણ પ્રવાસીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!