● ગુનેગારોમાં તથા ખોટું કરનારાઓમાં જેમનો ફફડાટ છે તેવા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં મુકવામાં આવ્યા
● ગતરોજ વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઉર્મી સ્કુલ પાછળ દરોડા પાડ્યા હતા
● દરોડામાં ટોળાએ પોલીસ પર પથ્થર-દંડા વડે હુમલો કરી મુદ્દામાલ અને અટકાયત કરેલા ઇસમને છોડાવી ગયા,સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઇ
નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં મુક્યા બાદથી રાજ્યમાં ઠેર ઠેર દારૂ અને જૂગારના ધામો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ ગતરોજ વડોદરામાં સ્ટેટ મોનીટરીંગના બુટલેગરને ત્યાં દરોડામાં હુમલો થવાની ઘટના પ્રથમ વખત ઘટી છે. આ મામલે શહેરના સમા પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે ગુનો નોંધાયો છે. અને હાલ પોલીસે આરોપીઓની પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
તાજેતરમાં રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગુનેગારોમાં તથા ખોટું કરનારાઓમાં જેમનો ફફડાટ છે તેવા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં મુકવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગમાં તેઓની નિમણુંક બાદ ઠેર ઠેર દારૂ અને જૂગારના અડ્ડાઓ પર ટીમો ત્રાટકીને સઘન કામગીરી કરી રહી છે. તેવામાં ગતરોજ સ્ટેટ મોનીટરીંગ સેલના જવાનોએ ઉર્મી સ્કુલ પાસે ચાલતા બુટલેગરના ધંધા પર દરોડા પાડ્યા હતા. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના જવાનો પર લોકોએ હુમલો કરતા સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ, પીએસઆઇ સુરેશભાઇ રાઠવા સ્ટેટ મોનીટરીંગ સેલમાં કામગીરી કરે છે. ગતરોજ બાતમીની આધારે તેઓની ટીમે વડોદરાના સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉર્મી સ્કુલ પાછળ ઝુપડપટ્ટીમાં ચાલતા બુટલેગર ધિરજ પાંડેને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા ટાણે ઝાડી ઝાખરામાં ત્રણ ઇસમો જમી પર બેસીને પાસે દારૂ રાખ્યો હોવાનું જોવા મળ્યું હતું. ટીમોએ ત્રાટકીને બેની દારૂ સાથે અટકાયત કરી હતી. અને તેની પુછપરછ કરવામાં આવી હતી. તથા અન્ય એક નાસી છુટવામાં સફળ રહ્યો હતો. પુછપરછ દરમિયાન અટકાયત કરાયેલા દિલીપ ડામોરે જણાવ્યું કે, દારૂ ધિરજ પાંડેનો છે. મને અહિંયા દારૂ વેચવા માટે બેસાડ્યો છે. દરમિયાન આ અંગેની જાણ સમા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી, તેવામાં દુરથી ટોળું ભેગું થઇને પોલીસ કર્મીઓ સામે આવ્યું હતું. દરમિયાન દિલીપે બુમો પાડી કહ્યું કે, મને પોલીસે પકડી લીધેલો છે. જેથી તેની પત્ની અને પુત્રી સાથે ટોળું તેના તરફ આવ્યું અને સ્ટેટ મોનીટરીંગ સેલના જવાનો પર દંડા અને પથ્થરો મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં દિલીપને છોડાવી સ્ટેટ મોનીટરીંગની કાર્યવાહી દરમિયાન જપ્ત કરેલો દારૂનો જથ્થો લઇને નાસી ગયા હતા. જતા જતા ટોળાએ દરોડાની ટીમની કારને પણ નુકશાન કર્યું હતું. આ અંગેની જાણ કરાતા સમા પોલીસ સ્ટેશનના જવાનો ઘટના સ્થળે આવી ગયા હતા. અને ટોળાને શોધવાના પ્રયાસો કર્યા હતા. જેમાં નિષ્ફળતા મળી હતી.
આખરે સામા પોલીસ સ્ટેશનમાં ધિરજ પાંડે, દિલીપ મનાભાઇ ડામોર, મોબાઇલ નંબર 95**1559** ધારક, મોબાઇલ ધારક, દિલીપ ડામોરની પત્ની અને દિકરી, મોપેડ નંબરના આધારે 2 લોકો મળીને કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. હવે આ મામલે કેટલી જલ્દી બુટલેગર તથા અન્ય ઝડપાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.